Achievements/Awards

પરજીયા ગાથા - મનુબાપુ ગીર ગોવિંદપુરના પરજીયા સોની શ્રી મનુભાઈ ભગવાનભાઈ ધકાણ.

Suvarna Bag Una · 22 Nov 2026

પરજીયા ગાથા - મનુબાપુ

ગીર ગોવિંદપુરના પરજીયા સોની શ્રી મનુભાઈ ભગવાનભાઈ ધકાણ.

પોતાની આગવી ઓળખાણથી લોકો એમને પ્રેમથી *“મનુબાપુ”* કહેતા. મોટા ગામ જેવું વ્યક્તિત્વ. લોકોના આર્થિક અને સામાજિક પ્રશ્નો ઘરના વ્યક્તિની જેમ ઉકેલી આપે, એટલે જ લોકો એમને બાપુ કહેતા.

ધારી મેઈન બજારમાં બાપુની જ્વેલર્સની દુકાન હતી. 100% શુદ્ધ સોનું આપે, હોલમાર્કની જરૂર જ ન પડે. ગરીબ માણસોની મજૂરી પણ ન લે.

બાપુને ખેતીવાડીનો પણ ભારે શોખ. સુખપુર રોડ ઉપર એમની વાડી આવેલી છે. ત્યાં આંબાનો બગીચો જોરદાર છે. ચંદનનાં ઝાડવા અને જામફળ, ચીકુ, રાયણ, લીંબુડી, સીતાફળ, રામફળ, ખજૂરી, દાડમી, પપૈયા વગેરે પણ ખરું.

*પરિવાર*

મનુબાપુને પાંચ ભાઈ અને બે બહેનો. ભાઈઓમાં મોટા બચુબાપુ, પછી મનુબાપુ, પછી કેશુબાપુ, પછી ધીરુબાપુ અને ખુશાલબાપુ.

મનુબાપુને બે દીકરા અને એક દીકરી. મોટા દીકરા ગુણવંતભાઈ અને નાના દીકરા નરેશભાઈ. દીકરી નાથુબેન મુંબઈ સાસરે છે. મનુબાપુના મોટા દીકરાનું નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું. ગુણવંતભાઈનો સ્વર્ગવાસ થયાને 40 વરસ ઉપર થયા હશે.

*બાપુની ચાલ જ ઓળખાણ*

મનુબાપુ શેરીમાં ચાલ્યા આવતા હોય તો પણ ખબર પડી જાય. સ્લીપર પહેરતા, સ્લીપરનો અવાજ આવે અને ચાલતા ચાલતા સોપારી વાતરે એટલે ખ્યાલ આવી જાય કે બાપુ આવે છે. જેવો તેવો વલ્ગર માણસ શેરીમાં આવી શકે નહીં.

મોટા ફોરેસ્ટ ઓફિસર કે જંગલ ખાતાના માણસો ઘણા બાપુને મળવા આવતા. ધારીથી મામલતદાર કે બીજા અધિકારી બાપુને મળવા આવે. કોઈ પણ સ્વાર્થ વગર, બાપુ જમવાના સમયે આવ્યા હોય તો જમ્યા વગર જવા ન દે.

*વાડીની યાદો*

હું ત્યાં મારા નાની પાસે ભણતો ત્યારે બાપુની સાથે વાડીએ જવાનું હોય. કેરીની સીઝન હોય, ત્યાં વાડીએ દાબો નાખ્યો હોય. સુધારવા માટે છરી ખિસ્સામાં જ હોય. બાપુ સુધારતા જાય અને અમે ખાતા જઈએ. ગોઠલા ભલે પડ્યા, “શિરૂ ખાવ” એમ કહે. પછી કેરી હાલે કેટલી, ધીમા પડી જઈએ એટલે ખીજાય, “લે... લે.....” આમ કેટલુંય ખવરાવી દે, ખબર નો પડે.

પાછું ઘેરે આવીને બાપુને ઘેરે જ જમવાનું હોય. ત્યાં મંજુલામા તાણ કરી કરીને જમાડે. આપણે કહીએ, વાડીએ કેરી બહુ ખાધી, તો કહે, “મેં થોડી ખવરાવી છે.” આપણે કહીએ, હવે નહીં ચાલે, તો કહે, “તો અહીં આવ્યો શું કામ?” હું કહું, “માડી હવે તાણ કરશો ને તો ભાગી જાય”, એટલે બધા દાંત કાઢે...

કેરીની સીઝનમાં સવારે ગરીબ માણસોની લાઈન થઈ હોય, બધાને કેરી આપે.

બપોર વચ્ચે બાપુની સાથના બધા ચોરે પાને રમવા બેઠા હોય, હુકમ કલાક દોઢ કલાક જમાવટ થઈ હોય, પછી બાપુના ઘેરેથી લીંબુનું શરબત આવે, બધાને પીવરાવે.

*મામેરાની પરંપરા*

મારે સગા મામા નથી, પણ બાપુ લગ્ન પ્રસંગમાં હાજર હોય. મારા બાને મામેરું ક્યારેય ભૂલ્યા નથી. તેમના દીકરા નરેશભાઈનાં લગ્ન અમારા ગામ થોરડી થયા, ધીરુભાઈ સાગરની દીકરી રીટાબેન સાથે. મારે બહેન થાય. બાપુ અવાર નવાર થોરડી આવતા. થોરડીના અમારા પાડોશી બધા બાપુને મળવા ને જૂની વાતું સાંભળવા આવે.

નરેશભાઈ તેમના માર્ગે ચાલીને બાપુની જેમ જ કાર્ય કરે છે. અત્યારે હજી અમારા કુટુંબમાં પ્રસંગ હોય એટલે નરેશમામાનું મામેરું હોય જ. નરેશમામાને બે દીકરા કૌશિક અને જયદીપ, તે બન્ને મારે ભાણેજ થાય.

મનુબાપુનું અવસાન થયાને ઘણા વરસો થયા, પણ એ રુઆબદાર ચહેરો હજી યાદ આવે છે.

મનુબાપુના ચરણોમાં લાખ લાખ વંદન

સૌજન્ય : શ્રી પ્રશાંત જોશી અમરેલી (ફેસબુક પોસ્ટ)

More Achievements/Awards