Shradhanjli: Shri Dhirajlal Dhakan



શ્રદ્ધાંજલિ: શ્રી ધીરજલાલ ધકાણ (જામનગર)

Shradhanjli: Shri Dhirajlal Dhakan


શ્રદ્ધાંજલિ: શ્રી ધીરજલાલ ધકાણ (જામનગર) અગ્રણી કેળવણીકાર વિદ્યાપુરુષ: પ્રિ. ડી.જી. ધકાણ મનસુખ સલ્લા પ્રિ. ડી.જી. ધકાણ (જ.તા. ૫/.૧૨/.૧૯૩૫) (સ્થળ: ગઢડા) જન્મ્યા હતા સોની જ્ઞાતિમાં, પરંતુ જીવનભર તેમણે વિદ્યાની ઉપાસના કરી. સોનાના કેરેટને પારખવાનું ન કર્યું, પરંતુ ગ્રંથો અને વિચારોના કેરેટને પારખવાનું સતત કર્યું. આર્થિક સંકડામણને કારણે અભ્યાસનો ખર્ચ કાઢવા ટ્યુશન પણ કર્યાં. કોલેજમાં કુસ્તીમાં રાજ્ય કક્ષાએ સ્વીકૃતિ પામ્યા હતા. અભ્યાસ કારકિર્દી ઉજ્જવળ હતી. જ્ઞાતિમાં સાત ચોપડીથી આગળ ભણવું દુર્લભ હતું ત્યારે તેઓ એમ. એ. થયા અને કોલેજમાં લેક્ચર થયા. તેમની વહીવટી આવડત, વિદ્યા પ્રેમ અને માનવીય અભિગમને કારણે પોરબંદરની માધવાણી કોલેજમાં પ્રિન્સિપાલ થયા. પોરબંદર એ કાળે અશિસ્ત અને બાહુબલીઓ માટે જાણીતું હતું. ત્યારે તેમણે પરીક્ષા ચોરી અટકાવી. કોલેજમાં શિસ્ત સ્થાપી. સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાનો, એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર યયુનિવર્સિટની કોલેજોમાં માધવાણી કોલેજને માનભર્યું સ્થાન અપાવ્યું. ત્યાંથી તેઓ જામનગરની ભવન્સ મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ બન્યા. ત્યાં પણ વિદ્યાર્થિનીઓનો પ્રેમ અને આદર મેળવ્યો. તેમણે કોલેજમાં ઊંચાં ધોરણો સિદ્ધ કર્યાં. નિવૃત્તિ પછી આયુર્વેદ યુનિવર્સિટીમાં યોગના માનદ વ્યાખ્યાતા થયા હતા. પ્રિ. ધકાણસાહેબ અને તેમનાં પત્ની કનકબેન બંને સંગીત વિશારદ થયાં હતાં. બંનેને મધુર કંઠની કુદરતી બક્ષીસ હતી. શરીર કૌશલમાં જેમ તેઓ આગળ હતા તેમ જ સંગીત જેવી સૂક્ષ્મ કલાને તેમણે શોભાવી હતી. એમના વ્યક્તિત્વમાં વિદ્યાપ્રેમ, સંગીત અને વહીવટી કુશળતા ખૂબ મહોર્યા હતાં. સોની જ્ઞાતિમા આટલું ભણવું, અધ્યાપક અને પ્રિન્સિપાલપદે પહોંચવું એ કાળે ઘણું દુર્લભ હતું. પરંતુ. પ્રિ. ધકાણસાહેબનો વિદ્યાપ્રેમ અદ્ભુત હતો. તેમને લખવા માટે વિશેષ અવકાશ નિવૃત્તિ પછી મળ્યો. સાહિત્ય, યોગ, ઉપનિષદ અને ભાષાવિજ્ઞાન અંગેનો તેમનો અભ્યાસ ગંભીર અને સૂક્ષ્મ હતો. તેમનાં ચાર પુસ્તકો ૧. યોગ સાધના ૨. યોગનું અતિન્દ્રિય સ્વરૂપ ૩. લગ્ન અને કૌટુંબિક સંબંધો ૪. વિસ્તરણ શિક્ષણ પ્રગટ થયાં છે. અને ઈશોપનિષદ અંગેની હસ્તપ્રત તૈયાર છે. મૂળે એ લેખમાળા રૂપે ‘પરજીયા પ્રકાશ’માં પ્રગટ થયા હતા. એમાં ગંભીર અભ્યાસનિષ્ઠા અને તત્ત્વની સ્પષ્ટતા જોવા મળે છે. પ્રિ. ધકાણસાહેબે સોની જ્ઞાતિ મંડળ-જામનગર અને ‘અખિલ ભારતીય સોની ફેડરેશન' માટે ખૂબ સમય આપીને સંગઠન માટે નોંધપાત્ર પ્રદાન કરેલું છે. સોની જ્ઞાતિ માટે તેઓ ખૂબ આદરણીય વ્યક્તિત્વ હતા. પ્રિ. ધકાણસાહેબ સ્વભાવથી નમ્ર, વિચારમાં તેજસ્વી અને શ્રદ્ધાવાન વ્યક્તિ હતા. પૂજ્ય મોરારિબાપુના તેઓ પ્રીતિપાત્ર હતા. છેલ્લાં વર્ષોમાં તેઓ શ્રી અરવિંદની વિચારધારામાં રંગાયા હતા. તેમણે ‘આપવાનો’ ધર્મ સ્વીકાર્યો હતો. કોલેજોને, વિદ્યાર્થીઓને, જ્ઞાતિને અને પરિચિતોને તેમણે વિવિધ પ્રકારે પ્રદાન કર્યું છે. 88 વર્ષની ઉંમર સુધીમાં તેઓ વિધ્વતા, સંસ્કૃતની તજજ્ઞતા અને યોગના અભ્યાસી તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. સોની જ્ઞાતિમાં આ વિરલ ગણાય તેવી સિદ્ધિઓ છે. એમની સાત્વિકતા તુરંત પરખાતી. એમની જ્ઞાનપિપાસા અને સ્વાધ્યાયપ્રેમ છેક સુધી અખંડ રહ્યાં હતાં. સોની જ્ઞાતિ માટે આવું વિદ્વાન અને સાત્વિક વ્યક્તિત્વ અનેક રીતે અસાધારણ ગણાય તેવું છે. ધીરે તેઓ સંસારથી વિરક્ત થતા જતા હતા. ટૂંકી માદગી પછી પ્રિ. ધકાણસાહેબે તારીખ 17/ 2/ 2023 ના રોજ ચિરવિરામ લીધો. શાસ્ત્રોએ કહ્યું છે કે આવી નિર્મળ વ્યક્તિઓ સૂર્યમંડળને ભેદીને ગોલોકમાં સુધી પહોંચી જાય છે. પ્રિન્સિપાલ ધકાણસાહેબ માટે આ સો ટકા સાચું ગણી શકાય. આવા વ્યક્તિત્વ અનેક માટે પ્રેરણા રૂપ બની રહેતાં હોય છે. સદગતને પ્રણામ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ………………………………………….....................................…………………………………………………………………… મનસુખ સલ્લા સી-૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ જજીજ બંગલા, અમદાવાદ. 380015 તા. 20/2/2023 માં. તંત્રીશ્રી, પટ્ટણી વર્લ્ડ સાદર જણાવવાનું કે તારીખ 17/ 2 /2023 ના રોજ પ્રિન્સિપાલ ધકાણ સાહેબનું અવસાન થયું છે. તેઓ અનેક રીતે વિશિષ્ટ હતા. તેમના જીવન કાર્ય વિશેની નોંધ આ સાથે છે. આપના માસિકમાં પ્રગટ કરવા માટે મોકલાવું છું. પ્રિ. ધકાણસાહેબની વિશેષ ભાવે નોંધ લેવી જોઈએ એવું એમનું પ્રદાન છે. આભાર સહ આપનો મનસુખ સલ્લા